શું ગુજરાતી સાહિત્યનું ચલણ ઘટી રહ્યું છે ..?

‘ગુજરાતી ભાષા હવે મરી રહી છે. ગુજરાતી ભાષા હવે બોલાય છે,પરંતુ યુવાનો ખાસ વાંચતા નથી. ગુજરાતી સાહિત્ય નું ચલણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે.’ આવા વિચારો તમને આવતા હશે.( ન આવતા હોય તો બહુ સારું કે’વાય). જો આવતા હોય તો હવે પછી ખાસ વાંચજો.

પહેલી વાત, તમારા મગજમાં નકરો કચરો ભરાઈ ગયો છે. અને હવે વહેલી તકે એને દૂર કરવાની જરૂર છે. આ વિચારો સાવ પાયા વગરના અને ખોટા છે. ગુજરાતી ભાષા કે સાહિત્ય કંઈ મર્યું કે પરવાર્યું નથી. બંને આજે પણ જીવંત છે. અને વર્ષો, યુગો યુગો સુધી રહેશે.

ગુજરાતી ભાષા એટલે સાહિત્ય નહીં. બોલચાલ ની ભાષા. સાહિત્ય બીજા નંબરે આવે. આજે મોટાભાગના અને લગભગ બધા જ ગુજરાતીઓ (જેઓ મૂળ ગુજરાતીઓ છે) તેઓ વ્યવહારમાં ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરે છે. એમાંય ગુજરાતના જુદા જુદા વિસ્તાર ની જુદા જુદા પ્રકારની બોલી.સૌરાષ્ટ્ર ની કાઠિયાવાડી અલગ. કચ્છીઓની પોતાની અલગ બોલી. અમદાવાદ માં આવો એટલે અસલ ગુજરાતી. અને સુરતીઓનું તો કહેવું જ શું..? ગુજરાતી ભાષા ને ક્યાં ની ક્યાં પહોંચાડી દીધી સુરતીઓએ. એની માને….! બધા જ ઘરોમાં ગુજરાતી બોલાય છે. તમારે ત્યાં પણ બોલાતી હશે.

પણ હવે વાત કરીએ ગુજરાતી સાહિત્ય ની. ગુજરાતી સાહિત્ય ઘણું સમૃદ્ધ છે. કેટલાય વર્ષોથી ગુજરાતી ભાષા માં લખાય છે. વંચાય છે અને વેચાય છે. નર્મદ અને મેઘાણી થી લઈને બક્ષી અને હમણાંના સમય માં જય વસાવડા સુધી,ગુજરાતી સાહિત્ય અકબંધ જળવાયેલું રહ્યું છે. પહેલા જે પ્રકારે વંચાતું અને વેચાતું હતું આજે પણ એટલું જ વંચાય છે. ક્યાંય આંચ નથી આવી. કેટલાક દ્રષ્ટાંતો જોઈએ.

આજથી 152 વર્ષ પહેલા ગુજરાતી ભાષા માં નવલકથા ની શરૂઆત થઇ હતી. ‘કરણઘેલો’ નામની પહેલી નવલકથા. એના લેખક નંદશંકર મહેતા. અને ત્યારપછી નવલકથાઓ લખવાની શરૂઆત થઇ. મુનશી અને મેઘાણી જેવા મહાન સાહિત્યકારોએ ઘણી નવલકથાઓ આપી. ત્યારપછી બક્ષી અને અશ્વિની ભટ્ટ જેવા નવલકથાકારો કે જેમણે કેટલીય મહાન નવલકથાઓ આપણને આપી છે. જે આજેય ધૂમ વેચાય છે. એ બંને આપણી વચ્ચે નથી પરંતુ એમની નવલકથાઓએ આપણ ને આજ સુધી સાથ આપ્યો છે અને આપતી રહેશે. આ સમયગાળા માં અન્ય કેટલાય લેખકો એ નવલકથા ક્ષેત્રે પ્રદાન કર્યું. અને મહાન નવલકથાઓ આપી.

ત્યારપછી હમણાંનો સમય. પહેલા ન હતી લખાતી એટલી નવલકથાઓ હમણાં લખાય છે. અને માત્ર લખાય નહિ, એટલી જ વંચાય પણ છે અને વેચાય પણ છે.અને એના સ્ટાન્ડર્ડ પણ જળવાઈ રહ્યા છે. ઉદાહરણ રૂપે વિનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટ,સૌરભ શાહ અને શિશિર રામાવત,કાજલ ઓઝા વૈદ્ય ની નવલકથાઓ તથા કેટલાય અર્વાચીન લેખકોની નવલકથાઓની આજે પણ માંગ રહે છે. અને હમણાં ની વાત કરીએ તો કેટલાય યુવાલેખકો જેમકે, જીતેશ દોંગા.જેમની બંને નવલકથાઓ ‘મહાન નવલકથાઓ’ ની કક્ષામાં મૂકી શકાય એવી છે. જેમને એમ લાગતું હોય કે ‘ગુજરાતી સાહિત્ય માં હવે સારું લખાતું નથી’ તેઓ એકવાર આ માણસ ની નવલકથાઓ વાંચી લે. આવું કહેનારાઓને આ યુવાને નવલકથા દ્વારા જબરદસ્ત તમાચો માર્યો છે. તથા કેટલાય યુવાનો નવલકથાઓ લખે છે. જેટલા મને મોઢે છે એટલા બધાના નામનું લિસ્ટ બનાવીશ તો બીજા ત્રણ લેખો લખવા પડશે. 

અને હમણાં ના સમયમાં યુવાનો જુદા જુદા વિષયો પર જુદા જુદા પ્લોટ ઘડીને દમદાર નવલકથાઓ લખતા થયા છે. જેમકે, હોરર, સસ્પેન્સ થ્રિલર વગેરે. અને એમાંય વલસાડના એક લેખકે તો ટ્રાવેલ નોવેલ લખી. ગુજરાતીમાં ટ્રાવેલ નોવેલ બહુ ઓછી લખાઈ છે. છતાં એમણે નવો ચીલો પાડ્યો અને સંપૂર્ણ સફળ થયા. એ લેખક એટલે મયૂર પટેલ. અને નવલકથા ‘અનુભવment’. જે દર્શાવે છે કે હવે લેખકો જુદા જુદા વિષયો પર ઘણું સારું અને નવું લખી રહ્યા છે.

ડિજિટલ યુગ માં ઈ-બુક્સ ને પણ જબરો પ્રતિસાદ મળ્યો છે. કેટલીક એપ્સ છે જેમાં ઇ-બુક્સ મફત ડાઉનલોડ કરીને વાંચી શકાય છે. વિનામૂલ્યે લખીને પબ્લિશ પણ કરી શકાય છે. જેમાં કેટલાય લેખકો (જેમાં મોટાભાગનાં યુવાનો છે) જેઓ પોતાની નવલકથાઓ કે અન્ય સાહિત્ય ઈ-બુક સ્વરૂપે લખે છે અને ઢગલો વંચાય છે. એમની પ્રોફાઈલ પર જઈને ડાઉનલોડ્સ ની સંખ્યા જોઈએ તો ખબર પડે કે યુવાનો કેટલા વાંચે છે..! અને લખે પણ છે..! આ પરથી હું છાતી ઠોકીને કહું છું કે ગુજરાતી નવલકથાઓ ને એકસો બાવન વર્ષ થયા, આવતા એકસો બાવન વર્ષ સુધી કોઈ આંચ ન આવે. લેખકો પણ મળશે અને એથી બમણા વાચકો મળી રહેશે.
આ થઇ નવલકથાઓ ની વાત. અન્ય સાહિત્ય તરફ નજર કરીએ તો એ એથી વધુ ભવ્ય અને સમૃદ્ધ છે. નોન ફિક્શન પણ આજે એટલું જ લખાય છે. અને વંચાય છે. નોન ફિક્શન આવે એટલે પહેલું નામ જય વસાવડાનું આવે. તેઓ બહુ ઊંચી કક્ષાનું લખે છે. ગુજરાત સમાચાર માં આવતી ‘સ્પ્રેક્ટોમીટર’ અને ‘અનાવૃત’ કોલમો એની સાક્ષી છે, તથા એમના પુસ્તકો પણ જોરદાર છે અને એ બધા જ આજના યુવાનૉ હોંશે હોંશે વાંચે છે. ગુણવંત શાહ(જેમની ઉંમર 80+ છે.)ના લેખો આજે છપાય છે. અને એમને યુવાનો વાંચે છે. કેટલાય યુવાલેખકો કે જેઓ છાપાં માં કોલમો અથવા અન્યત્ર લખે છે. (આજકાલ તો ફેસબુક માં ય જબરદસ્ત લખાય છે.) ગુજરાતી છાપાંઓની પૂર્તિઓમાં આજે પણ લેખો છપાય છે.જેમાં ઘણાં નામો યુવાનોના છે.

એ વિચાર કાઢી નાખો કે યુવાનો વાંચતા નથી. વાંચે છે, લખે પણ છે અને તમારા જેવા ને લેખન દ્વારા જડબાતોડ જવાબ પણ આપે છે. આપણને આવા વિચારો આવે છે કારણ કે આપણે આ બધાથી વાકેફ નથી. માત્ર ઉપરછલ્લી નજર ફેરવવાથી આવું જ લાગે. ઊંડા ઉતરીએ તો ખબર પડે કે આ કૂવાનું તળિયું જ નથી. અને અંગ્રેજી સાહિત્ય સાથે ગુજરાતી ને સરખાવો એ મુર્ખામી ગણાય. કારણ કે ગુજરાતી વાંચનારાઓ માત્ર સાત કરોડ ગુજરાતીઓ છે અને અંગ્રેજી આખા વિશ્વમાં ઉપયોગ થાય છે. સ્વાભાવિક રીતે એનું સાહિત્ય વધારે વિસ્તરવાનું. પણ એનો અર્થ એ નથી કે ગુજરાતી મરી રહ્યું છે. ના. બિલકુલ નહિ.

આ પરથી એ વાત હું ચોક્કસપણે કહું છું કે ગુજરાતી સાહિત્યને કંઈ નથી થયું.એ આજે પણ એટલું જ સમૃદ્ધ છે. જેટલું આજથી પચાસ-સો વર્ષ પહેલાં હતું. ભલે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધે,પણ મારી ગુજરાતી ભાષાને કાંઈ નહીં થાય. આજે પણ એ જ કક્ષાનું લખાય છે અને વંચાય છે. વેચાય પણ છે. આજે પણ ગુજરાતી માં નવા આવતા છાપાંઓને રીડરશીપ મળી રહે છે. મેગેઝીનો પણ વેચાય છે. ડિજિટલ બ્લૉગ્સ અને ઈ-બુકો પણ એટલી જ વંચાય છે. મારા જેવા કેટલાય યુવાનો રવિવાર ની પૂર્તિ ની કાગડોળે રાહ જોઈને બેઠા હોય છે. નવી નવલકથાઓ આવે છે અને યુવાનો એને વધાવી લે છે. નવા લેખકો ને લખવા મળે છે. પબ્લીશર ન મળે તો ઝુકરભાઈ નું દિલ બહુ મોટું છે, તેઓ મફત છાપી આપે છે. જેનો લાભ અમારા જેવા લે છે. એ પણ વંચાય છે. જૂની નવલકથાઓ પણ રિ-પ્રિન્ટ થઈને માર્કેટ માં આવે છે. અને યુવાનો એને આઉટ ઓફ સ્ટોક માં પહોંચાડી દે છે.

ભલે, આ એક ગુજરાતી તરીકે અને સાહિત્ય ના માણસ તરીકે મારી ફરજ હતી કે તમારુ ધ્યાન દોરું. બાકી જેમણે ન વાંચવું હોય એમને એમની અંગ્રેજી મુબારક. એક-બે વાચકો ઘટવાથી તંબુરો કઈ ફેર નહિ પડે. ગુજરાતી પાસે અઢળક વાચકો છે અને લેખકો પણ છે. લખતા રહેશે અને વાંચતા રહેશે, આવનારા યુગો યુગો સુધી….! (અહીં અંગ્રેજી ભાષા ને ઉતારી પાડવાનો મારો આશય નથી. હું જાતે અંગ્રેજી સાહિત્ય વાંચું છું. પણ એથી કાંઈ ગુજરાતી ને પાછળ ન ધકેલી દેવાય)

એટલે ન વાંચતા હોય તો આજથી જ શરુ કરી દો. અંગ્રેજી વાંચો પણ ગુજરાતી ને પણ એટલો પ્રેમ આપો.એ આપણી ભાષા છે. આપણી માં ની ભાષા છે. અને ઘણી સમૃદ્ધ છે. અને જે યુવાનો પહેલેથી વાંચે છે, એમને વંદન. વેલ ડન .!!

-મેઘલ પરમાર

(અને હા, હવે થોડો પોરો ખાઈએ. પાછલા બે-ત્રણ રવિવારથી નિયમિત હું અહીં લેખો મુકતો રહ્યો છું, પણ હવે બોર્ડની પરીક્ષા નજીક હોવાથી થોડું એ તરફ પણ મારે ધ્યાન આપવું રહ્યું. જેથી બે મહિના સુધી મારા લેખો નહીં આવે. ત્યારપછી ફરીથી નિયમિત લખતો રહીશ. ધન્યવાદ.)

Advertisements

વર્ષ ૨૦૧૮ માં મેં વાંચેલા પુસ્તકો- 2

૯) અતરાપી : ગુજરાતી સાહિત્યમાં બહુ મોટું નામ ધરાવતા નવલકથાકાર ધ્રુવ ભટ્ટ ની નવલકથા. આ નવલકથા અન્યથી થોડી જુદી છે. કારણ કે એનું મુખ્ય પાત્ર એક શ્વાન છે. તથા એની સાથે બીજા અન્ય શ્વાન અને મનુષ્યોને પાત્રો તરીકે લઈ સુંદર રીતે કંડારાયેલી નવલકથા. મુખ્ય પાત્ર શ્વાન હોવા છતાં આ કોઈ પંચતંત્ર કે હિતોપદેશ જેવી વાર્તા નથી. કઈંક જુદા જ પ્રકારની છે. અને સંવાદો હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય એવા છે. એ લેખકની કલમ નો જાદૂ જ કહી શકાય.

૧૦) અન્યમનસ્ક્તા:યુવા લેખક ભવ્ય રાવલ ની નવલકથા. જેમાં પ્લોટ કઈંક પ્રેમકહાની પ્રકારનો છે. જેમાં સંવાદો ઓછા અને વર્ણનાત્મક લેખન વધારે છે. ખેર, જેવું લખનાર ને ઠીક લાગ્યું. છતાંય વાર્તા અને પ્લોટ સારાં છે. 

૧૧) શાંતનુ : લેખક સિદ્ધાર્થ છાયા. શાંતનુ નામના યુવાનની વાર્તા. વાર્તામાં સંવાદો અને પ્લોટ આકર્ષક છે. છેલ્લે સુધી જકડી રાખે એવી. 

૧૨) સુનેહા: સિદ્ધાર્થ છાયા ની બીજી નવલકથા. જે સુનેહા નામની યુવતી ના જીવનને કેન્દ્રસ્થાને રાખીને લખાઈ છે. એની જિંદગી ની વાર્તા છે. સુનેહા કેવી રીતે પવન ની જિંદગી બદલી નાંખે એ જાણવા તમારે એ વાંચવી રહી.

૧૩) પ્રભુના લાડકવાયા : ગુણવંત શાહ. શ્રી ગુણવંત શાહ ના લેખો. એમની કલમ ને વધુ પરિચયની જરૂર નથી. 

૧૪) મેઘાણીની પ્રતિનિધિ વાર્તાઓ: શબ્દલોક પ્રકાશન દ્વારા પ્રકાશિત. મહાન સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી ની ચુનંદા વાર્તાઓનો સંગ્રહ. જેમાં ‘વહુ અને ઘોડો’ તથા ‘હું આવ્યો છું,બહારવટું શીખવવા’ જેવી મહાન વાર્તાઓ નો સમાવેશ થયો છે.

૧૫) લવ…..અને મૃત્યુ : ધ ગ્રેટ બક્ષી. આ બે વિષયોને મુખ્ય સ્થાને રાખીને લખાયેલા વિવિધ લેખો. અને એમાં પણ ‘…અને મૃત્યુ’ શીર્ષક હેઠળ લખાયેલા પાંચ લેખો હૃદયસ્પર્શી છે. ‘બક્ષી’ શું છે એ આ લેખો વાંચો તો ખબર પડે. એમની કલમ માં જુદી જ તાકાત છે.(તથા એમની ‘આકાર’ અને ‘પેરેલીસિસ’ પણ મહાન નવલકથાઓ છે. મારે વાંચવાની બાકી છે.આવતા વર્ષે એ રાખીએ)

૧૬)હાકલ : મારી શાળામાંથી મને મળેલું. (એ ય મફત…! છે ને આશ્ચર્યજનક વાત..!) સ્વામી વિવેકાનંદ ના વિચારો અને સંજીવ શાહ દ્વારા રજુઆત. જેમાં ભારતનાં યુવાનોને સ્વામીજી દ્વારા કરાયેલા આહવાન ને એમનાં જ શબ્દોમાં રજૂ કરવામાં આવ્યું છે. આખું પુસ્તક વાંચીને શેર લોહી ચડાવી દે એવું..! 

(ક્રમશઃ)

વર્ષ 2018 માં મેં વાંચેલા પુસ્તકો.

ર્ષ 2018 મારા માટે લેખનમાં થોડું ધીમું રહ્યું. કારણ કે આખા વર્ષ દરમિયાન મેં માત્ર સાત લેખો અહીં મુક્યા છે.(જોકે બીજું પણ લખ્યું છે, પણ અહીં મૂકી શકાય એ પ્રકારનું નથી.) પરંતુ આ વર્ષે મેં સારું એવું વાંચ્યું છે.(ફિજીક્સ,કેમેસ્ટ્રી નહીં ) લગભગ પચ્ચીસ જેટલાં પુસ્તકો મેં વાંચી નાખ્યા છે. જોકે આ સારું એવું વાંચન ન કહી શકાય કારણ કે ‘સ્ટીફન કિંગ’ અને ‘જેફ્રી આર્ચર’ જેવા લેખકો વર્ષમાં 250 થી 300 પુસ્તકો વાંચે છે. અલબત્ત એમનું બારમું પૂરું થઇ ગયું છે. (જીભડાવાળું સ્માઈલી).

વેલ,મેં વિચાર કર્યો કે એ તમામ પુસ્તકો ના સ્વતંત્ર રીવ્યુ લખવા કરતા એક-બે પેરેગ્રાફ ના શોર્ટ રીવ્યુ મૂકીએ. જેથી તમને વાંચવામાં પણ સરળતા રહે. અને થોડા શબ્દોમાં પુસ્તકનો ટૂંકો પરિચય પણ મળી જાય. તો આ રહ્યા રિવ્યુઝ,

1. નોર્થપોલ: આ પુસ્તક વિષે મેં સ્વતંત્ર લેખ લખીને અહીં મુક્યો છે. યુવાલેખક જીતેશ દોંગા ની કલમે લખાયેલી બીજી મહાન નવલકથા.(પહેલી વિશ્વમાનવ) જેમાં એક યુવાનની આત્મખોજ ની સફર વિશેની વાર્તા જબરદસ્ત રીતે લખાયેલી છે. બે પાત્રોના પ્રેમ ની અને એમના જીવનના સંઘર્ષ ની કથા. હું વર્ષ દરમિયાન સાત વખત વાંચી ગયો છું. દરેક યુવાને જીવનમાં એક વખત વાંચવા જેવી નવલકથા.

2.અનુભવment: નામ જેમ અલગ અને યુનિક લાગે એમ નવલકથા પણ યુનિક છે. આ એક ટ્રાવેલ નોવેલ છે. ગુજરાતી ભાષામાં ટ્રાવેલ નોવેલ આમ પણ બહુ ઓછી લખાઈ છે.આ નવલકથા ઘર બેઠા તમને ભારતભ્રમણ કરાવશે. સરળ ભાષા, આકર્ષક સંવાદો અને લયબદ્ધ રીતે લખાયેલી નવલકથા વાંચવાની મજા આવશે. એમાં પણ પ્રવાસ અને ફરવાના શોખીનોએ ખાસ વાંચવા જેવી.

3. તુમ્હારે બારે મેં: લેખક અને અભિનેતા માનવ કૌલ ની કલમે લખાયેલું પુસ્તક.આ એમનું ત્રીજું પુસ્તક છે. એમના આગળના બે પુસ્તકો વાર્તાસંગ્રહ છે. પણ આ વાર્તાસંગ્રહ નથી. (ન કહાની,ન કવિતા). શું છે, એ જાણવા માટે તમે જાતે જ વાંચજો. સરળ શૈલી, આકર્ષક હિન્દી ભાષામાં લખાયેલું પુસ્તક દરેકને સ્પર્શી જાય એવું છે. વાંચતી વખતે લાગે કે,જાણે કે લેખક આપણી સામે બેસીને આપણી જ વાત કહેતા હોય..!

4. The girl in room 105: ભારતના બેસ્ટસેલર યુવાલેખક ચેતન ભગત ની લેટેસ્ટ નવલકથા.ચેતન ભગત લવસ્ટૉરી માટે જાણીતા છે પરંતુ આ પુસ્તક લવસ્ટોરી નથી પરંતુ ‘અનલવ સ્ટૉરી’ છે. (એવું તેઓ કહે છે.) જેમાં કેશવ નામનો યુવાન પોતાની ગર્લફ્રેન્ડ ના મર્ડર નો કેસ સોલ્વ કરે છે. એટલે મર્ડર મિસ્ટ્રી ટાઇપની નવલકથા પણ કહી શકાય.

5.કોનમેન: હિન્દી પલ્પ ફિક્શન ના બાદશાહ સુરેન્દ્ર મોહન પાઠક ની 299 મી નવલકથા. અને સુનીલ સિરીઝની 122 મી. તેઓ ક્રાઇમ ફિક્શન માટે ભારતભરમાં પ્રખ્યાત છે. આ નવલકથા પણ ક્રાઇમ ફિક્શન પ્રકારની છે. જેમાં બ્લાસ્ટ નો પત્રકાર સુનીલ મર્ડર કેસ સોલ્વ કરે છે. આખર સુધી સસ્પેન્સ જળવાયેલું રહે છે.એ આ નવલકથા નો પ્લસ પોઇન્ટ. એમની આકર્ષક હિન્દી ભાષા વાંચવાની મજા આવે.

6.લીલી નસોમાં પાનખર: ધ ગ્રેટ ચંદ્રકાન્ત બક્ષી.અહીં મારે કંઈ લખવાનું રહેતું નથી. સિર્ફ નામ હી કાફી હૈ.

7. Narendra Modi; a political biography: અંગ્રેજ લેખક એન્ડી મેરિનો દ્વારા લખાયું છે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં બાળપણ થી લઈને વડાપ્રધાન બનવા સુધીની રાજકીય સફર આલેખવામાં આવી છે. મોદી સાહેબ ના જીવનનું તટસ્થ વર્ણન આ પુસ્તક માં થયેલું છે. દરેક ભારતીય એ એક વાર વાંચવા જેવું. મોદી વિરોધીઓ ખાસ વાંચે.

8. સિંહપુરુષ: વાર્તાકાર અને નવલકથાકાર ડૉ. શરદ ઠાકર દ્વારા લખાયેલી બાયોગ્રાફિક નવલકથા. વિનાયક દામોદર સાવરકરના જીવનને આબેહૂબ પ્રદર્શિત કરતી નવલકથા. જેમાં વિનાયક સાવરકરના આખા જીવનને આકર્ષક રીતે નવલકથા સ્વરૂપ માં ઢાળીને લખાયું છે. સાવરકર ના જીવનને નજીક થી જાણવા માટેના પુસ્તકો માંથી એક આ પુસ્તકનો સમાવેશ થઇ શકે.

(ક્રમશઃ)

નવું વર્ષ, શુભકામનાઓ અને ઔપચારિકતાઓ.

દિવાળી નાં દિવસો શરૂ થઇ ગયા છે. ત્રણ દિવસ પછી સવંત 2074 નું વર્ષ પૂરું થશે અને આપણે સૌ નવા વર્ષ એટલે કે વિક્રમ સવંત 2075માં પ્રવેશ કરીશું. નવા વર્ષે આપણે દર વર્ષ ની જેમ વહેલા ઊઠીશું, નાહી-ધોઈને નવા વસ્ત્રો ધારણ કરીને, સજી-ધજીને બેસી જઇશું. અને ત્યાર પછી બધાને ઘેર-ઘેર જઈ નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવીશું. વેલ, એ બરાબર છે. કરવું જ જોઈએ.

આપણે નવા વર્ષે બધા ને શુભકામનાઓ કેમ પાઠવીએ છીએ..? એ પ્રશ્ન થવો સાહજિક છે. એનું કારણ કદાચ એ હોય શકે કે નવા વર્ષે બધા એકબીજાને મળે,શુભેચ્છાઓ પાઠવે,એકાદ-બે પરિવારો ભેગા થાય અને હસી-ખુશી અને આનંદ ઉલ્લાસ થી નવા વર્ષની શરૂઆત કરે. આ કદાચ એની પાછળ નું કારણ હોય શકે. આ રીતે થયેલી નવા વર્ષ ની શરૂઆત આપણા સૌ માં એક નવી ઉર્જા ભરી દે છે. એની જેનાં થી આપણે સૌ નવું વર્ષ એક નવી ઉર્જા થી પસાર કરી શકીએ.

પણ, હવે આ લેખ ના મુખ્ય વિષય ઉપર આવીએ. આજે સમય બદલાઈ ગયો છે. એકવીસમી સદી ના યુગ માં આપણે સૌ જીવીએ છીએ. આંગળી ના ટેરવે આખી દુનિયા જોઈ શકાય છે. મોબાઈલ નામનું ઉપકરણ આપણા જીવનનો એક અમૂલ્ય ભાગ બની ગયું છે. જેમાં હવે વિનામૂલ્યે આપણે માત્ર ઇન્ટરનેટ ના ઉપયોગ થી દુનિયા ના કોઈ પણ ખૂણે રહેલી કોઈ પણ વ્યક્તિ ને આસાની થી ગણતરી ની સેકન્ડો માં કોઈ પણ સંદેશો મોકલી શકીએ છીએ. વિવિધ એપ્લિકેશન્સ દ્વારા આપણે હવે ઘર બેઠા વિવિધ કામો કરી શકીએ છીએ.

મોબાઈલ આવવાથી આપણે હવે ફોર્માલિટી કરતાં થઇ ગયા છીએ. અને એમાં પણ નવા વર્ષે તો એની હદ થઇ જાય છે. નવા વર્ષ ના દિવસે સવારે આપણે તૈયાર થઈને બેસી જઇશું. મોબાઈલ માં કોન્ટેક્ટ લિસ્ટ માં એક છેડે થી શરૂ કરીશું અને પછી દરેક ને ફોનકોલ્સ ચાલુ થશે. કેટલાક તો એની પણ તસ્દી લેતા નથી. વ્હોટ્સએપ ખોલ્યું. બ્રોડકાસ્ટ લિસ્ટ ઓપન કર્યું.(એમને દરેક વારે-તહેવારે આ ડિજિટલ શુભેચ્છઓ પાઠવવાની હોતી હોવાથી આવા બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી જ રાખે છે.) અને પોતાના મોબાઈલ માં આવેલા સંદેશાઓ માંથી જ એક ફ્ક્ક્ડ ‘હેપ્પી ન્યુ યર’ લખેલો ફોટો લિસ્ટ માં સેન્ડ કરી દેશે.બસ, ત્યાં કામ પૂરું.શુભેચ્છાઓ પાઠવી દીધી. બેડો પાર…!     

આ બધું જ એક માત્ર ઔપચારિકતા છે. જેને આપણે ઈંગ્લીશ માં ફોર્માલિટી કહીએ છીએ. અને હું સ્પષ્ટપણે માનું છું કે સાચા સબંધો માં ફોર્માલિટી વચ્ચે આવતી નથી. આપણે એમ સમજીએ છીએ કે એક ‘હેપ્પી ન્યુ યર’ ના મેસેજ થી કે ફોનકોલ્સ દ્વારા આપણે સબંધો સાચવી લીધા..! ના. આપણે અંગત વ્યક્તિઓને ફોન કે મેસેજ દ્વારા શુભેચ્છાઓ કેમ પાઠવીએ છીએ..? બસ, માત્ર એટલા માટે કે પેલી સામેની વ્યક્તિ ને ખોટું ન લાગી જાય. ‘એક ફોન કરી દીધો એટલે કામ પત્યું.’ એમ આપણે માનીએ છીએ. અને એના કારણે જે આપણા પૂર્વજો એ નવા વર્ષ ના પહેલા દિવસે જે એકબીજાને મળીને શુભેચ્છાઓ પાઠવવાની રીત શોધી હતી એ વિસરાતી જાય છે.

આપણે કદાચ કોઈને રૂબરૂ પણ મળીએ તો એ સગાં ભાઈ અથવા માં-બાપ ને અથવા એકદમ નજીકના મિત્ર ને. (એ પણ એક જ શહર કે ગામમાં રહેતા હોય તો જ.) હા, હું સમજુ છું કે હવે 40-50 કિલોમીટર અન્ય શહેર કે ગામમાં રહેતા સગાં સબંધીઓને રૂબરૂ ન મળી શકીએ.તો બેસ્ટ ઉપાય છે, તમે પત્ર લખો. મારા એક લેખક મિત્ર પાસેથી એ હું શીખ્યો છું. તેઓ દર નવા વર્ષે સગાં-સબંધીઓ અને મિત્રો ને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતો પત્ર લખે છે. પત્ર લખવાથી આપણું સામેની વ્યક્તિ ની નજર માં મહત્વ વધી જશે. તમે એ લખવા પાછળ સમય કાઢશો. પણ, સાલું વાંધો એ છે કે પત્ર લખો, એની ઝેરોક્ષ કઢાવો, કવર લાવો,એમાં મુકો અને એની ઉપર જે તે વ્યક્તિઓ ના સરનામાં લખો, અને પોસ્ટ ઓફિસ માં જઈને ટપાલ પેટી માં નાખી આવો. બહુ લાંબી માથાકૂટ કરવી પડે. એના કરતા એક ટીપટોપ ગુગલ પરથી ‘હેપ્પી ન્યુ યર’ લખેલો(અને એય પાછો સ્ટાઇલ માં) ફોટો કાઢો અને ઠોકી બેસાડો વ્હોટ્સએપ પર. આ જ માન્યતા આજે ઘણાં લોકો માં ઘર કરી ગઈ છે.

અને સૌથી મહત્વની વાત, આખો દિવસ મોબાઈલ માં જે કચરો ઠલવાય છે..! સાલું, નવા વર્ષ નો અડધો દિવસ બધા ને મેસૅજ કરવામાં અને અડધો દિવસ કચરો સાફ કરવામાં જાય છે. એ બધા ની વચ્ચે આપણે એકબીજાને રૂબરૂ મળતાં નથી. આ દિવસ નો મૂળ હેતુ ભુલાતો જાય છે. માત્ર ફોર્માલિટી ખાતર મેસેજ કે ફોન કોલ્સ કરવા કરતાં પત્રો લખીએ અથવા શક્ય હોય તો એકબીજાને રૂબરૂ મળીએ। અને એમાંથી કઈ પણ શક્ય ન હોય તો એક જયારે નવા વર્ષ માં પહેલી વાર મળીએ ત્યારે શુભેચ્છાઓ આપી દેવાની। એમાં કઈ નાના નથી થઇ જવાના.પણ આ ફોર્માલિટી માંથી બહાર નીકળીએ. તો વધુ સારી રીતે આપણે નવા વર્ષ ની શરૂઆત કરી શકીશું

-મેઘલ પરમાર

 

વિદ્યાર્થી,શિક્ષક,વાલી અને શિક્ષણપદ્ધતિ.

આજના સમયમાં આપણાં દેશમાં જો કોઈની સૌથી દયનીય હાલત હોય તો તે છે વિદ્યાર્થીઓની.(હા,કોંગ્રેસ કરતાં પણ દયનીય.) બધા માત્ર ભણવા ખાતર ભણે છે. ન ચાહવા છતાં તેમને માં-બાપ અને શિક્ષકો દ્વારા ઊંચા ટકાની રેસમાં ફેંકવામાં આવે છે. કોઈને જીવવાનો ઉત્સાહ નથી. કોઈ શાળામાં જઈને વિદ્યાર્થીઓનાં ચહેરા જોઈ લેજો. એ જોઈને દયા આવશે.અને આપણી શિક્ષણપદ્ધતિ ઉપર ગુસ્સો આવશે.

આવું શા માટે..? એનું કારણ એ છે કે માબાપ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ઉપર ગેરવ્યાજબી દબાણ લાદવામાં આવે છે.ન ચાહવા છતાં તેમને પોતાની અપેક્ષાઓ સંતોષવા ઊંચા ટકાની રેસમાં ફેંકવામાં આવે છે. દરેક વ્યક્તિમાં કઈંક ને કઈંક ખૂબીઓ રહેલી હોય છે. જેને સંતોષવા યોગ્ય અવકાશની જરૂર હોય છે. જે અવકાશ ની શોધમાં હોય છે. જો યોગ્ય અવકાશ મળે તો તે ખીલી ઉઠે છે.

આજે, શાળા અને વાલીઓનું મુખ્ય કાર્ય બાળકોને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું છે. તેમનામાં રહેલી અસંખ્ય વૃત્તિઓને બહાર લાવવાનું છે.પણ કમનસીબે એવું કંઈ થતું નથી. મોંઘીદાટ અને ભવ્ય શાળાઓમાં માત્ર મશીનો તૈયાર થાય છે.અને સર્જનાત્મકતા અને કૌશલ્યો મરતા જાય છે. આ મશીનો બહાર નીકળવાની સાથે બંધ પડી જાય છે.અને નિષ્ફળતા મળ્યે તેમને જ કોસવામાં આવે છે.

આપણે ત્યાં, દસમાં ધોરણનાં રિઝલ્ટ પછી બે જ વિકલ્પો બાળક સામે મૂકવામાં આવે છે.આઇધર યૂ હેવ ટૂ સિલેક્ટ સાયન્સ ઓર કોમર્સ. અને એમાં પણ જો એંસીથી ઉપર ટકા આવ્યા હોય તો આવી બન્યું. તમે ચાહો કે ન ચાહો. મુઠ્ઠી બંધ કરો. આંખો બંધ કરો.નીચું માથું ઘાલીને દોડ્યા કરો. ક્યાં..? સાયન્સ નામનાં મૃગજળ પાછળ.કોઈ નહીં પૂછશે કે ‘બેટા,તારે શું કરવું છે કે તને શેમાં રસ છે.’ અને તમે કહેવા જશો તો ગયા કામથી. શિક્ષકો અને વાલીઓ દ્વારા કેટલાંયે સપનાંઓ ને મારી નાખવામાં આવે છે. અણગમતા પ્રવાહમાં ઢસડાયા બાદ જો અપેક્ષા મુજબનું પરિણામ ન આવે તો વિદ્યાર્થીઓને કોસવામાં આવે છે. ‘છોકરા એ કાંઈ ઉકાળ્યું નથી.’ તંબુરો ઉકાળે.જ્યારે ઉકાળવાનું હતું ત્યારે તમે ચૂલો ઓલવી નાંખ્યો હતો.

આજે શિક્ષણ નામનાં પવિત્ર વિભાગમાં કેટલાક એવા તત્વો ઘુસી ગયા છે કે, ખરેખર તેમનું ત્યાં કામ નથી. સંવેદનાહીન અને જડ બની ગયેલાં લોકો કે જેઓ પોતાને શિક્ષક ગણાવે છે. જેમનાં માટે કદાચ અણુંસુત્રો અને વ્યાખ્યાઓ ગોખાવવી,એ જ શિક્ષણ છે. પ્રેક્ટિકલ શિક્ષણ તેઓ આપી શકતા નથી. આખો દિવસ ગધેડા ને મારીમારીને ઘોડો બનાવવા મથ્યા કરે છે. મને તેમની ઉપર દયા આવે છે. આ લોકો એ શિક્ષણસંસ્થાઓ માંથી રાજીનામું આપી ક્યાંક સ્મશાને જતા રહેવું જોઈએ. જોકે, ત્યાં પણ મડદાંઓમાં સંવેદના ધબકતી હોય છે.

શાળામાં શિક્ષકો દ્વારા કઈંક કચાશ રહી ગઈ હોય તો તે ઘરે માબાપ પૂરેપૂરી જવાબદારી થી પુરી કરે છે. જો સંતાન ભણવા સિવાય કંઈ બીજું સર્જનાત્મક કાર્ય કરશે તો ખીજવાઈને કે તમાચો મારીને બેસાડી દેશે.પણ જો રૂમ માં ભરાઈને મોટેમોટે થી સવાલો ના જવાબો ગોખશે તો ખુશ થશે. અને આ જ વૃત્તિ બાળકોને ખીલવા નથી દેતી.

હા, હું જાણું છું. શિક્ષણ જરૂરી છે. તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. પણ આજે જરૂર છે,એ આપવાની પદ્ધતિ બદલવાની. અને એમાં ભારે ફેરફારો કરવાની. આજે જે થઈ રહ્યું છે એ સાચી પદ્ધતિ નથી. અને જો આમ જ ચાલતું રહ્યું તો આપણું ભવિષ્ય નબળું છે. બીજા પ્રતિભાવંત વ્યક્તિત્વો પેદા નહીં થાય.માત્ર મશીનો જ તૈયાર થશે.

તો, આ માટે કંઈ ઉપાય ખરો..? હા. છે.મારી ઉંમરના મિત્રોને વણમાંગી સલાહ આપું છું. મિત્રો, બેસી ન રહો. આ ઉંમર બેસી રહેવાની નથી. જિંદગી અને પરિસ્થિતિ જેવા છે એવા સ્વીકાર ન કરો. બળવો કરો. સમાજ અને દુનિયા સામે. આંખો બંધ કરીને દુનિયા કહે તેમ ભાગો નહીં. એ બધા તો મૂર્ખાઓ છે. બુદ્ધિનાં બારદાનો છે. નકામી વાતો સાંભળવી નહીં. પોતાની અંદર રહેલી શક્તિઓને શોધી કાઢો. પેશન શોધો. અને ખબર પડ્યા પછી એની પાછળ ગાંડાની જેમ મહેનત કરો. મંડી પડો. અને પરિણામ દુનિયા આગળ રજૂ કરી દો. દુનિયા સ્વીકારશે જ. ઝખ મારીને સ્વીકારશે. બાકી, આલ્ફા,બીટા અને ગામાં ગોખવાથી કાંઈ ઉકળવાનું નથી.

અને એમના મા બાપ ને બે હાથ જોડીને વિનંતી કરું છું. એમને ઉડવા દો બસ.ઘરમાં ગોંધી રાખીને ગોખાવશો નહિં. ટ્યૂશન અને કોચિંગ માં મોકલીને અને આખો દિવસ એમાં પરોવાયેલા રાખીને તમે એમનું બાળપણ છીનવી રહ્યા છો. શું ફેર પડ્યો છે ભણવાથી..? ઘંટો કાંઈ નહીં.(આવા શબ્દો લખવા માટે લખનાર ને ગાળો ન દેવી) તમે કાંઈ ઉકાળી શક્યા નથી તો હવે એમની પાસેથી આશા રાખો છો..? તો તમે માબાપ કહેવાને લાયક નથી. જો સંતાનો ને મુક્તપણે ઉડવા દેવાની ત્રેવડ ન હોય તો પેદા જ ન કરાય. તમને કદાચ એમ હોય કે મારું બાળક સ્કૂલે જઈને ભણે છે. ના, માત્ર ગોખણપટ્ટી કરે છે. જે કામ આવે એ શાળાઓ ભણાવતી નથી અને જે ભણાવે એ કામ આવતું નથી.

ફરીવાર કહું છું. એમને ઉડવા દો. ઉડતા ઉડતા પડી જાય તો એમને પડવા દો. જાતે ઉભા થતા શીખવો. બળવો કરવા દો. બોલવા દો. રાડો પાડવા દો. રખડવા દો. મિત્રો સાથે રખડવા દો. આજે છાતી કાઢીને જીવ્યો હશે તો કાલે ઉઠીને મર્દ ની જેમ જીવશે. બાકી આ સાચવ્યા કરવાની વૃત્તિ બાયલા બનાવી દે છે. અને ‘દર્શક’ કહે છે તેમ શિક્ષણ નું મુખ્ય કામ મર્દાનગી આપવાનું છે. 

બાકી આ જ ચાલતું રહ્યું તો કઈ ઉકળે નહીં. માબાપ નું કામ તેની સાથે ચાલવાનું છે. તેની શક્તિઓ ખીલવા માટે યોગ્ય અવકાશ પૂરું પડવાનું છે.નહીં કે તમાચો મારીને તેમ કરતા રોકી દેવાનું. એની શક્તિઓ અને પેશન જાણવામાં મદદ કરો.શોધી કાઢો અને એ પ્રમાણે જીવવા દો.શીખવા દો. ભૂલો કરવા દો. અનુભવો કરવા દો. આજની શિક્ષણપદ્ધતિએ વિદ્યાર્થીઓની પત્તર ઠોકી નાંખી છે. છાતી ઠોકીને કહું છું. આટલું કર્યા પછી કોઈ પાછળ નહીં રહે. બધા પોતપોતાના ક્ષેત્રોમાં સફળ હશે. તમે ખુશ હશો. કારણ કે તમારા સંતાનો ખુશ હશે.

આ બધું લખવાની મારી લાયકાત નથી. પણ મેં મારી આજુબાજુ આ બધી બાબતો આકાર પામતી જોઈ છે. હજારો માબાપ જોયા છે. રઝળતા યુવાનો જોયા છે. અને એમાંથી અનુભવે લખ્યું છે. અલબત્ત ક્યારેક મેં પણ આનો અનુભવ કર્યો છે. કેટલાક સગાં અને કેટલાક શિક્ષકો પાસેથી. જેઓ મને કહેતાં હોય છે કે ‘તારે લખવાનું મૂકીને માત્ર ભણવા તરફ ધ્યાન આપવાનું છે.’ પણ હું સાંભળતો નથી. પેલી દેડકા વાળી વાર્તા યાદ છે ને..? નથી યાદ..? ચાલો કયારેક તે પણ કરીશું. 

આટલું વાંચ્યા પછી પ્રશ્ન થાય કે (ન થયો હોય તો બહું સારું કે’વાય) ‘આ બધું દુનિયા ન સ્વીકારે તો ? લોકોને કઈ રીતે સમજાવવું..?’ તો એક કામ કરજો. તમારા બાળકોને અનાથાશ્રમમાં મૂકી આવજો. કારણ કે તમારામાં તેમને પોષવાની ત્રેવડ નથી. હોય તો આવા પ્રશ્નો થાય જ નહીં.

અરે હા, હવે પ્રશ્ન થયો હશે કે ‘અહીં આ ત્રીજા પરિબળ શિક્ષકો વિશે તો કોઈ ઉપાય લખ્યા જ નથી.’ કારણ કે જે સાચા શિક્ષકો છે,એમને આ બધું ની જરૂર નથી. તેઓ જાણે જ છે. અને માત્ર કહેવાતા દંભીઓને કહેવાથી પણ ફેર નથી પાડવાનો.(ઉપરનું વાક્ય લખનારે અનુભવો ઉપરથી લખ્યું છે.)

છેલ્લે આ એક પંક્તિ લખીને આ લેખ પૂરો કરું છું.

બચ્ચો કે છોટે હાથો કો ચાંદ-સિતારોં કો છૂને દો,

ચાર કિતાબે પઢકર યે ભી હમ જૈસે હો જાયેંગે.

                                             -નિદા ફાજલી

છેલ્લી વાત.

મારા ઘરની પાસે મંદબુદ્ધિના બાળકોની નિશાળ હતી.

હું પોતે જે શાળામાં ભણ્યો,ત્યાં મંદબુદ્ધિ નાં શિક્ષકો હતાં.

                                                           -વુડી એલન

નોર્થપોલ : વાત એક યુવાનની આત્મખોજ ની.

શું તમને તમારૂં ગમતું કામ ખબર નથી ? શું તમે જે કામ કરી રહ્યા છો, તે તમને ગમતું નથી ! તો આ નવલકથા તમારા માટે જ છે. ‘નોર્થપોલ’ એ એક ૨૪ વર્ષનાં યુવાન દ્વારા લખાયેલી ધાંસુ નવલકથા છે. આ વાર્તા છે એક યુવાન નાં સંઘર્ષની અને બે જીવોના અદ્ભૂત જીવનની.

વાર્તામાં બે મુખ્ય પાત્રો. ગોપાલ અને મીરાં. દિલ ફાડીને પ્રેમ કરનારાં અને છાતી ફાડીને જીવતા પાત્રો. દુનિયા થી પર રહીને પોતાનું અલગ વિશ્વ બનાવીને તેમાં રમતાં પાત્રો. 

ગોપાલ. એન્જીનીયરીંગ કરતો, સામાન્ય પરિવારમાં જન્મેલો એક યુવાન. તેને પોતાનું ગમતું કામ ખબર નથી. તેને પોતાની જાત ફ્લોપ લાગે છે. તેને શું કરવું છે તેની ખબર નથી.દિલ માં એક આગ છે.કોઈ દિશા નથી.’પોતાને શું ગમે છે’ એ પ્રશ્ન પાછળ તેને ધૂન ચડે છે.અને પછી જે થાય છે એ છે આ નવલકથા. આ વાર્તા એક સામાન્ય યુવાનની આત્મખોજ ની છે. આ વાર્તા એની અદભુત સફરની છે. અને આ વાર્તા મારી તમારી અને આપણાં સૌની છે.

‘આજના યુવાનો ગુજરાતી વાંચતા નથી. ગુજરાતી ભાષા મરી રહી છે.’ એવું કહેનારાઓને એક ૨૪ વર્ષનાં યુવાન દ્વારા અપાયેલો જડબાતોડ જવાબ એટલે આ નવલકથા. વાર્તામાં લેખકે જાત સાથે કોઈ પણ જાતનું સમાધાન કર્યા વગર લખ્યું છે. અને જે લખ્યું છે એ જબરદસ્ત લખ્યું છે. વાંચીને રડાવી નાંખે એવું લખ્યું છે.નવલકથાનાં પાત્રો એવાં છે કે વાંચીને તમે એ પાત્રો ને પ્રેમ કરી બેસો. 

મેં આ નવલકથા વાંચીને બીજા મારા મિત્રો અને કેટલાકને વાંચવા આપી ત્યારે તેઓએ મને ફરિયાદ કરી કે ‘વાર્તા જોરદાર લખી છે. પણ આ વાર્તામાં આવતી ગાળો અને અમુક અપશબ્દો મને ન ગમ્યાં.’ હું કહું છું મને સૌથી વધારે એ જ ગમ્યું. કે લેખકે એ લખીને આજનાં સમાજ જીવનને પ્રતિબિંબિત કર્યું છે.અને હું આગળ લખી ગયો છું કે આ વાર્તા ના લેખકે જાત સાથે સમાધાન કર્યા વગર લખ્યું છે. કદાચ તેમણે પ્રસ્તાવના નહીં વાંચી હોય. પ્રસ્તાવનામાં પણ તેમણે લખ્યું છે કે-

“આ વાર્તામાં આવતાં ગાળો,બિયર સિગારેટ કે તોછડી ભાષા ઘણાં વાચકોને નહીં ગમે અને નવલકથા ને સંપૂર્ણ સ્વીકાર નહીં મળે એ ખબર હોવા છતાં મેં કશું જ કાઢ્યું નથી. કારણ એ છે કે મારે સમાજ ને અરીસો દેખાડવાનો છે. મેં મારા કામ સાથે ગદ્દારી નથી કરી. મોટું મન રાખીને સ્વીકારી લેજો.”

ટૂંકમાં, જો તમને વાંચનનો થોડો પણ રસ હોય તો આ નવલકથા જીવનમાં એકવાર જરૂર વાંચજો. અને જો ન હોય તો પરાણે વાંચજો. છાતી ઠોકીને કહું છું એક-બે પ્રકરણો વાંચ્યા પછી તમે એને પડતી નહીં મૂકી શકો. એ વાર્તા આદિ થી અંત સુધી તમને જકડી રાખશે. અને એ વાંચ્યા પછી સમજાય જશે કે આ જગત ને કેવા સવાલો પૂછવા.

ગુજરાતમાં પ્રચંડ લોકચાહના પામેલી, આફલાતૂન નવલકથા એકવાર વાંચજો, મજા પડશે.

——————————————————————

પુસ્તક નું નામ: નોર્થપોલ

પ્રકાર: નવલકથા

લેખક: જીતેશ દોંગા

પ્રકાશક: બુક શેલ્ફ, અમદાવાદ.

કિંમત: ₹ ૨૫૦

                                                    Article by,

                                                Meghal parmar

જવાની જીંદાબાદ!!

યુવાની એ ફૂંકીફૂંકીને જીવવાની ઉમંર નથી. દિલ ફાડીને જીવવાની ઉંમર છે. પોતાના દિલ ને ગમતું કામ શોધીને એ પ્રમાણે જીવવાની ઉંમર છે. પોતાની જાત ને કમ્ફર્ટ ઝોન ની બહાર મૂકી દેવાની ઉંમર છે. મંજિલ માટે રસ્તાઓ શોધી કાઢવાની ઉંમર છે.

પણ,આજનાં મોટાભાગના યુવાનોને હું જોઈ રહ્યો છું,જેમની કોઈ દિશા નથી,મકસદ નથી. પોતાને ગમતું કામ ખબર નથી અથવા એ જાણવાના પ્રયત્નો નથી કર્યા. એમની યુવાની કદાચ વોટ્સએપ અને ફેસબુક માં જ સમેટાય જશે એવું લાગે છે. તેઓ જે કામ કરી રહ્યા છે, એ કામ પ્રત્યે સખત નફરત છે. છતાં તેઓ દુનિયાને જોઈ ને કરી રહ્યા છે. જેના લીધે લાઈફ ફ્લોપ લગે છે. જાત પરથી વિશ્વાસ ઉઠી જાય છે. જિંદગી અણગમતા કામ પાછળ કાઢી નાંખે છે. ભવિષ્ય ની ચિંતાઓ થાય છે. મન પર બોજ સહન કરવો પડે છે. અને છેલ્લે હારી જઈને આત્મહત્યા કરવી પડે છે

મરવું જ હોય તો બંધ આંખે ન મરતો,ખુલ્લી આંખે મર

                                               -હારુકી મુરાકામી

તો, આ બધું શા માટે? કારણ? કારણ છે મિત્રો! આપણે આપણી જાતને ક્યારેય કમ્ફર્ટ ઝોનની બહાર લઈ ગયા નથી. દુનિયાની નજરો થી બહાર જઈને પોતાની રીતે વિચાર્યુ નથી.પોતાના દિલ ને ક્યારેય પૂછ્યું નથી કે, ‘તને શું ગમે છે?’.

એટલે આજથી જ ઝંપલાવી નાંખો. અંગ્રેજીમાં કહેવત છે કે better late than never. હજુ મોડું નથી થયું. દરરોજ પોતાનો અમુક સમય પોતાને ગમતાં કામ માટે કાઢો.ભલે એ નનામાં નાનું કેમ ન હોય!

પણ પ્રશ્ન થાય કે જો પોતાને ગમતું કામ જ ન ખબર હોય તો? 

મેં ક્યાંક વાંચ્યું છે, જ્યાં સુધી તમને એ ખબર ન હોય કે પોતાને શુ ગમે છે,ત્યાં સુધી દુનિયા ના દરેક કામો કરી લેવા. હા,દરેક કામ.

જેમ કે,

રોજ એકાદ સ્પોર્ટ્સ રમો. ક્રિકેટ,વોલીબોલ કોઈ પણ. વાંચો. અભ્યાસ સિવાયનું ઇતર વાંચન કરો. જે પુસ્તક હાથમાં આવે તેને વાંચી નાંખો. પુસ્તકો સિવાય કદાચ કોઈ સારા મિત્રો નહીં મળે. લખો. રોજ કઈંક ને કઈંક લખતા રહો. દિવસભર ના અનુભવો રોજ સાંજે એક ડાયરીમાં ટપકાવતા રહો. કોઈની પણ સામે બેસીને જિંદગી વિશે ની વાતો કરો. નાના થી લઈને મોટા સૌને મિત્રો બનાવો, તેમની પાસેથી કંઈ શીખતાં રહો.

રોજ કસરત કરો.પ્રેરણાત્મક ફિલ્મો જુઓ. હંમેશા એ યાદ રાખશો કે, great things are never comes from the comfort zone. કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળો. સપનાંઓ જુઓ,અને એ સાકાર કરવા ગાંડા ની જેમ મહેનત કરો. દુનિયા ને સાંભળ્યા વગર, જે કરો એ સો ટકા મૂકીને કરતા રહો. લોકોને તમારા પેશન ની પડી નથી, તેઓ કદાચ મનોબળ તોડવાના પ્રયત્નો કરે પણ ખરા, પણ એ સાંભળ્યા વગર દોડતા રહો. 

જિંદગી નું દરેક નાનામાં નાનું કામ કઈંક શીખવી જાય છે. માટે દરેક કામો કરી જુઓ,અનુભવો મેળવો. રખડો. ક્યારેક ખાલી ખિસ્સે રખડવા નીકળી પડો. દુનિયાને આંખો ફાડીને જુઓ. પોઝીટીવ બાબતો શીખતાં રહો. જોખમો ઉઠાવો. સાહસ ખેડો. ચંદ્રકાંત બક્ષી કહી ગયા છે કે ‘જ્યારે માણસ નું જીવન સપાટ બની જાય છે ત્યારે,જાતે જ ખાડાઓ પાડી, તેમાં પડીને ઉભા થવું પડે છે.’ 

અને છેલ્લે, દુનિયાનું કોઈ એકાદ કામ તમને અંદર થી જગાડી મુકશે. એ કામ કરતી વખતે જે અનુભવ થાય એ કદાચ, અન્ય કામમાં ન થયો હશે. એ કામની સફળતા નો આનંદ કઈંક અલગ હશે. બસ, એ કામ ને વળગી રહો. ભલે ગમે એ થાય પણ એ કામ છોડવું નહિં. એ કામ કાર્યનો આનંદ અલગ હશે. 

અને કહી દો દુનિયાને કે,

            में उड़ना चाहता हूँ, में दौड़ना चाहता हूँ, में गिरना भी चाहता हूँ, बस रुकना नहीँ चाहता।

                                    ફિલ્મ:યે જવાની હૈ દીવાની

અને હા, ઉપર ની દરેક વાતોને સલાહ તરીકે નહીં પણ એક દોસ્તએ કરેલી વાતો તરીકે લેવી. કારણ કે સલાહ આપવાની મારી લાયકાત નથી.

                                                -મેઘલ પરમાર

                                    (બીજું તો વળી કોણ હોય?)